યુધિષ્ઠિરે પૂછયું : “યાદવપતિ ! હવે હું એ સાંભળવા ઇચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને મને એ જણાવો.”
શ્રી કૃષ્ણ બોલ્યાઃ “રાજન! એકચિત્ત થઇને સાંભળો ! શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ “અજા” છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે, એના બધા પાપો નાશ પામે છે.”
પૂર્વકાળમાં હરિશ્ર્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઇ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. એકવાર કોઇ કર્મનું ફળ પ્રાપ્ત થતાં એમને રાજય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા. પછી પોતાને પણ વેચ્યા. પૂણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મડદાના કફન લેવાનું કામ કરતા. આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ર્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા.
આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતા એમના અનેક વર્ષો વિતી ગયા. એથી રાજાને ઘણી ચીંતા થઇ. તેઓ અત્યંત દુઃખી થઇને વિચારવા લાગ્યા. “શુ કરું ? કયાં જાઉ ? કેવી રીતે મારો ઉધ્ધાર થશે ?” આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા.
રાજાને શોકાતુર જાણીને કોઇ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઇને નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યાં, અને બંન્ને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી.
રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું.
“રાજન ! શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી “અજા” નામની એકાદશી આવી રહી છે. એ પૂણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે તમારા સદ્દભાગ્યે આજથી સાતમાં દિવસે જ એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો.”
આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઇ ગયાં.
મુનિની વાત સાંભળીને રાજાએ. ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુકત થઇ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગી ઊઠયા. દેવલોકમાંથી ફુલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજય પ્રાપ્ત થયું. અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્વર્ગલોકને પામ્યા.
રાજન ! એ મનુષ્ય “અજા એકાદશી” વ્રત કરે છે એ બધા પાપોથી મુકત થઇને સ્વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.