મોટા મુકતાનંદ સ્વામી બુદ્ધિવાન, કવિ ને તપસ્વી હદયે હરિધ્યાન l
ત્યાગ્યું તનસુખ પ્રેમી અતિપૂરા, સદા હરિભકત કર્યા શૂરા ll
નારદમુનિ આપે ધરી અવતાર, મુકતાનંદ નામે થયા નિરધાર l
સપ્તસ્વર, તિનગ્રામ, ષટરાગ, સર્વને જાણે મુનિ બડભાગ ll
(નંદમાળા-મંજુકેશાનંદજી)
જન્મભૂમિ – અમરેલી જીલ્લાનું અમરાપર ગામ
જન્મ સમય – સવંત ૧૮૧૪ પોષ સુદ ૭ તા. ૩૧/૧/૧૭પ૮
પૂર્વાશ્રમનું નામ – મુકુંદદાસ
પિતાનું નામ – આનંદરામ.
માતાનું નામ – રાધાબાઇ
સંપ્રદાયના પ્રત્યેક પુસ્તકમાં મુકતાનંદ સ્વામીનું નામ આપણે વાંચીએ છીએ. સ્વામીના જીવનવિષયક વિવિધ માહિતી પૂર્ણ કેટલાક પ્રકાશનો થાય છે. તેથી સ્વામીશ્રીના જીવનવિષયક કેટલાક પ્રસંગોની ટૂંકી વિગત અત્ર આપી છે.
અંતઃકરણના દોષો દૂર કરવા, બ્રહ્મચર્યવ્રત પાળવું, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરવી અને પ્રગટ પ્રમાણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા વગેરે ઉદ્દેશને સિધ્ધ કરવા માટે સંસારસુખનો ત્યાગ કરી સદગુરુની શોધ માટે મુકુંદદાસ ઘેરથી નીકળ્યા.ધ્રાગંધ્રા નિવાસી સંતશ્રી દ્વારકાદાસજી, વાંકાનેર નિવાસી મહાત્મા શ્રી કલ્યાણદાસજી અને સરધારના રામજી મંદિરના મહંત શ્રી તુલસીદાસજી વગેરે સંતોની સેવા-સમાગમ કરીને મુકુંદદાસે તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ સંતની સેવા-સમાગમમાં શ્રદ્ધાવંત મુકુંદદાસને બ્રહ્મનિષ્ઠ સંતરી રામદાસ સ્વામીનો સમાગમ થયો. સ્વામીશ્રીના દર્શન, કથા-વાર્તા, ધર્મનિયમથી સુખ અને શાંતિ પામેલા મુકુંદદાસ રામાનંદ સ્વામીના શિષ્ય થયા અને મુકતાનંદ સ્વામી નામથી સત્સંગમાં પ્રસિદ્ધ થયા.
રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુકતાનંદ સ્વામી વિદ્યાભ્યાસ માટે કચ્છ-ભુજ ગયા અને ત્યાં રહીને સંસ્કૃત, કાવ્યશાસ્ત્ર, સંગીત વગેરે વિદ્યાનો અભ્યાસ કરીને ઉત્તમ કોટિના વિદ્વાન થયા. એટલું જ નહીં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, વ્રજ વગેરે વિવિધ ભાષાઓમાં પુસ્તકોની રચના કરીને વિદ્વતજનોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. સંગીત વિદ્યામાં વિચક્ષણ સ્વામીશ્રી નૃત્યકળાના પણ જ્ઞાતા હતા. મુકતાનંદ સ્વામીએ પોતાના ગુરુ માનનાર ભગવાન સહજાનંદ સ્વામી મુકતાનંદ સ્વામીની આણા અનુસારે જ રહેતા અને સ્વામીશ્રીના સદગુણોથી પ્રભાવિત થયેલા સહજાનંદ સ્વામીએ અનેક વખત સ્વામુનં પુજન કરીને તેઓનું બહુમાન કરેલ છે.
પુરાણો કે ઇતિહાસોના સંસ્કૃત ગ્રંથોની કથા વાંચવી કે સાંભળવી તે કાર્ય કંઇક અંશે સરઇ છે પરંતુ બ્રહ્મસૂત્રોના વ્યાખ્યાન રુપ શ્રીભાષ્યની કથા વાંચવી, સંભળાવવી અને સમજાવવી એ કાર્યનો વિદ્વાનો માટે પણ અતિશય અઘરું જ છે.સ.જી.પ્ર.૪, અ.૧૩માં લ્ખ્યા મુજબ કારિયાણી ગામમાં મુકતાનંદસ્વામીએ સભામાં શ્રીભાષ્યની કથા વાંચીને શ્રોતાઓને સંભળાવી અને સમજાવી. ધનતેરસને દિવસે કથાની સમાપ્તિ કરી અને શ્રીહરિએ પોતે જ મુકતાનંદ સ્વામીની પૂજા કરી.
સંસ્કૃતભાષાના વ્યાકરણ, ન્યાય, વૈશેષિક સાંખ્ય, યોગ, વેદાંત, ઉપનિષદો વગેરે દર્શનશાસ્ત્રોના અભ્યાસી મેઘાવી વિદ્વાન વેદાંતશાસ્ત્રના અદભૂત બ્રહ્મસૂત્રોની સ્વસિદ્ધાંતને અનુરુપ વ્યાખ્યા લખી શકે. આવાવ વિદ્વાન સંત સ.ગુ.મુકતાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રની સંસ્કૃત વ્યાખ્યા લખી છે. ‘બ્રહ્મસૂત્ર ભાષ્યરત્નમ્’ નામની આ વ્યાખ્યામાં કેટલાક વિશિષ્ટ દાર્શનિક સિદ્ધાંતો સ્વામીશ્રીએ દર્શાવેલ છે. સ્વામીશ્રીના વેદાંત દાર્શનિક સિદ્ધાંતો જાણવા માટે સ્વામીશ્રીએ લખેલ ‘સૂત્રભાષ્યરત્નમ્’ વગેરે હસ્તલિખિત સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ જરુરી છે.
‘સત્સંગની મા’ તરીકેનું બિરુદ સાર્થક કરનાર સંત શિરોમણી સ.ગુ.મુકતાનંદ સ્વામી અષાઢી સંવત ૧૮૮૭ અષાઢ વદ ૧૧ ને શનિવાર તા. ૧૬-૭-૧૮૩૦ના દિવસે ગઢપુર મંદિરમાં અક્ષરવાસી થયા.