યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને કહ્યું : “હે દયાનિધિ! મને ફાગણ મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય જણાવો.”
શ્રી કૃષ્ણ બોલ્યા : “હે રાજન! ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્યત્વએ પણ વશિષ્ટજીને આવો જ પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.”
“રાજન ! વિશ્ર્ણુજીના થૂંકમાંથી એમના મુખેથી ચંદ્રમાં સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થઇને પૃથ્વી પર પડયું. એનાજ “આમલકી” (આમળાનું) મહાનવૃક્ષ ઉત્પન્ન થયુ કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે. આજ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જયાં આમળાનું વૃક્ષ હતું. રાજન ! આમળાના વૃક્ષને જોઇને દેવતાઓને ઘણીજ નવાઇ લાગી. કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા.ં. દેવતાઓને વિસ્મીત થયેલા જોઇને આકાશવાણી થઇ. “મહર્ષિઓ ! આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે. એના સ્મરણ માત્રથી ગૌદાનનું પૂણ્ય મળે છે. સ્પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણું એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વશુ, ફુલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્ણુભકત પુરુષો માટે એ પરમ પૂજય છે. માટે હંમેશા પ્રસન્નતા પૂર્વક આમળાનું સેવન કરવું જોઇએ.
ઋષિઓ બોલ્યાઃ “આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઇ ? અમને સત્ય જણાવો.”
પુનઃ આકાશવાણી થઇઃ “જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભૂવનના સૃષ્ટા છે. જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઇ શકે છે. એજ સનાતન વિષ્ણુ હું છું.”
શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યાઃ “મહર્ષિઓ તમને હું અભિષ્ટ વરદાન આપું ?”
ઋષિઓ બોલ્યાઃ “ભગવાન! જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઇ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરુપી ફળ પ્રદાન કરનારું હોય!”
શ્રીહરિ બોલ્યાઃ “મહર્ષિઓ! ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે. આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઇને ત્યાં રાત્રે જારણ કરવું જોઇએ. આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુકત થઇ જાય છ, અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે.”
ઋષિઓ બોલ્યાઃ “હે પ્રભુ! આ વ્રતની વિધિ જણાવો. આના દેવતા અને મંત્ર શું છે ? પૂજન કેવી રીતે કરવું? ભગવાન વિષ્ણુએ કહ્યું : “વિપ્રગણો! આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો કેઃ “હે પુંડરીકાક્ષ! હું એકાદશીને નિરાહાર રહીને બેજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો.”આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મુનષ્યો સાથે વાર્તાલાપ ન કરવો. પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું. સ્નાન કરતા પહેલાં શરીર પર માટી લગાવવી.”
માટી લગાવવાનો મંત્ર
અશ્વક્રાન્તે રથક્રાન્તે વિષ્ણુક્રાન્તે વસુન્ધરે l
મૃતિકે હરમેં પાપં જન્મકોટયાં સમર્જિતમ્ ll
હે વસુંધરા! તમારા પર અશ્ર્વ અને રથ ચાલતા રહે છે. અને વામન અવતાર સમયે ભગવાન વિષ્ણુએ પણ તમને પોતાના વડે માપ્યા હતા. મૃતિકે! મે કરોડો જન્મોમાં જે પાપો કર્યા છે, મારા એ બધા પાપોને હરી લો. (પદમપુરાણ ઉ.ખંડ ૪૭ :૪૩)
સ્નાનનો મંત્ર
ત્વં માતમ્ સર્વભૂતાનાં જીવનં તત્તુ રક્ષકમ્ l
ખેદ જોદ્ ભિજ્જજાતીનાં રસાનાં પતયે નમઃ ll
સ્નાતોડહં સર્વેતિથેષુ હડપસવણેસુ ય l
નદીસુ દેવખાતેષુ ઇદં સ્નાનં તુભેં ભવેત્ ll
જળની અધિષ્ઠાત્રી દેવી! તમે સમગ્ર ભૂતો માટે જીવન છો, એજ જીવન કે જે સ્વેદજ અને ઉદ્દભિજ્જ જાતિના જીવોના પણ રક્ષક છો. તમે રસોના સ્વામિની છો. તમને નમસ્કાર છે. આજે હું સમગ્ર તીર્થો, કુંડો, ઝરણાંઓ, નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચુકયો, મારુ આ સ્નાન, ઉકત બધા સ્નાનોનું ફળ પ્રદાન કરનારું બને. (પદ્દમ પુરાણ ઉ.ખંડ ૪૭:૪૪:૪પ)
વિદ્વાન પુરુષે પરશુરામની સોનાની પ્રતિમાં બનાવડાવી. પ્રતિમા પોતાની શકિત અને ધન પ્રમાણે એક અથવા અડધા ગ્રામ સોની બનાવડાવવી જોઇએ. સ્નાન કર્યા પછી ઘેર આવીને પૂજા અને હવન. કરવો. ત્યાર બાદ બધી સામગ્રી લઇને આંબળાના વૃક્ષ નીચે જવું. ત્યાં વૃક્ષની ચારેય બાજુની જમીન પર ઝાડુ લગાવીને, લીંપીને જમીનને શુધ કરવી. શુધ્ધ કરેલ ભૂમિ પર મંત્રપાઠ કરીને જળથી ભરેલ નવા કળશની સ્થાપના કરવી. કળશમાં પંચરત્ન અને દિવ્યગંધ વગેરે પ્રસારિત કરવા. શ્ર્વેત ચંદનથી એને લેપ કરવો. કંઠમાં ફુલોની માળા પહેરાવવી. બધા પ્રકારે ધૂપની સુગંધ પ્રસારિત કરાવવી. દીપકો જલાવવા. ચારેય બાજુ સુંદર અને મનોહર વાતાવરણ તૈયાર કરવું. પૂજા માટે નવી છત્રી, પગરખા, અને વસ્ત્ર પણ મંગાવી રાખવા. કળશ ઉપર એક પાત્ર રાખીને એના પર પરશુરામની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી. ત્યાર બાદ ભકિતયુકત ચિત્તથી શુધ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય અર્પણ કરવું.
ત્યાર બાદ ભકિત યુકત ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્યાર બાદ શ્રી વિષ્ણુનું નામ લને આમળાના વૃક્ષની એકસો આઠઅથવા અઠાવીશ વખત પરિક્રમાં કરવી. પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું. પરશુરામનો કળશ, વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધાજ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રપ્ત થાય છે, એ બધું જ ઉપરની ઉપરોકત વિધિના પાલનથી સુલભ થાય છે. શ્રીકૃષ્ણ કહે છેઃ યુધિષ્ઠિર ! આ દુર્લભ વ્રત મુનષ્યને બધા પાપોથી મુકત કરનારું છે.