યુધિષ્ઠિર બોલ્યાઃ “હે દેવેશ્ર્વર! માગશર મહિનાના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે છે, એની શુ વિધિ છે, અને એમાં કયાં દેવતાનું પુજન કરવામાં આવે છે ? હે સ્વામી! આ બધુ યથાર્થ સ્વરુપે જણાવો.”
શ્રીકૃષ્ણે કહ્યું : “હે નૃપશ્રેષ્ઠ ! માગશર મહિનાના શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એનું નામ છે “મોક્ષદા એકાદશી” એ બધા પાપોની હરણ કરનારી છે. રાજન! આ દિવસે પ્રયત્ન પૂર્વક તુલસીની મંજરી અને ધૂપ-દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઇએ. પૂર્વોકતવિધિ પ્રમાણે જ દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે. “મોક્ષદા” એકાદશી મોટા મોટાં પાતકોના નાશ કરનારી છે. આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય, ગીત અને સ્તુતિ પ્રાતઃ જાગરણ કરવું જોઇએ. જેના પિતૃઓ પાપવંશ કે નીચ યોનિમાં પડયા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આમા જરા પણ સંદેહ નથી.
પૂર્વકાળની વાત છે. વૈષ્ણવનો દ્વારા વિભુષિત પરમ રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી.
રાજા બોલ્યાઃ “બ્રહ્મણો ! મે મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો તનુજ છે, આની આ નરકરુપી સમુદ્રમાંથી અમારો ઉધ્ધાર કર.”
“હે વિદ્વાનો! આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુકં કરુ?કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નરકમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?”
બ્રાહ્મણો બોલ્યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે. મુનિ ચૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્ઠ! તમે એમની પાસે જાઓ.”
બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિાના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કયો. મુનિએ પણ રાજાને રાજયના સાતેય અંગોની કુશળતા પૂછી.
રાજા બોલ્યાઃ હે સ્વામી! આપની કૃપાથી મારા રાજયના સાતેય અંગો સકુશળ છે. પરંતુ મે સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છૂટકારો થાય ?”
રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્યાનસ્થ રહ્યાં. ત્યાર બાદ એમણે રાજાને કહ્યું, “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે “મોક્ષદા” નામની એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નરકમાંથી એમનો છૂટકારો મળશે.”
ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યુધિષ્ઠિર! મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને ખર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરમાંથી છૂટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં : “પુત્ર તારું કલ્યાણ થાઓ!” આમ કહી તેનો સ્વર્ગમાં ચાલ્યા ગયા.
રાજન! આ પ્રમાણે કલ્યાણકમયી “મોક્ષદા” એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઇ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયનું ફળ મળે છે.”