યુધિષ્ઠિરે પૂછયું : “હે વાસુદેવ ! મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? અને એના વ્રતની વિધિ શું છે ? આપ કૃપા કરીને કહો ?”
શ્રી કૃષ્ણ બોલ્યાઃ “યુધિષ્ઠિર ! એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પૂણ્ય વિશે પૂછયું હતું. ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી તે સાંભળો.”
બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! આ વ્રત ઘણુંજ પ્રાચીન છે. પવિત્ર તથા પાપનાશક પણ છે. રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી.”
ત્રેતાયુગમાં શ્રી રામ જયારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઇ ઉપાય સુઝતો ન હતો. ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછયું હતું કેઃ “સુમિત્રાનંદન! આ મસુદ્રને કેવી રીતે પાર કરી શકાય! આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુઓથી ભરેલ છે. મને એવો કોઇ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય.”
લક્ષ્મણજી બોલ્યાઃ “હે પ્રભુ! આપ જ આ સૃષ્ટિના રચિયતા છો. આપનાથી શું છુંપું છે ? અહીથી અડધો યોજન દૂર કુમારીદ્વછપમાં બકદાલભ્ય મુનિ રહે છે. આપ એ પ્રાચીન મુનિ પાસે જઇને એમને જ આનો ઉપાય પૂછો.”
શ્રી રામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોચ્યા અને એમને પ્રણામ કર્યાં. મુનિએ પ્રસન્ન થઇને આગમનં કારણ પૂછયું.
શ્રી રામ બોલ્યાઃ “મુનિશ્ર્વર! હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું. હે મુનિ! હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો.”
મુનિશ્રી બોલ્યાઃ “હે રામ! મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં “વિજયા” નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોકકસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ! હવે આ ફળદાયક વ્રતની વિધિ સાંભળો.”
દસમના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો. એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. એકાદશીના દિવસે કળશને પૂનઃસ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું. કળશ ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પુજન કરવું. કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા આખો દિવસ પસાર કરવો. રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો. પછી બારસના દિવસે સૂર્યોદય થતા એ કળશને કોઇ જળાશય પાસે સ્થાપિત કરવો. અને એની વિધિવત્ પૂજા કરીને દેવપ્રતિમા સહિત એ કળશનું બ્રાહ્મણને દાન કરી દેવું. કળશની સાથે બીજું પણ યથા શકિત મુજબ દાન આપવું. હે રામ ! આપ આ,ના સેના પતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્ન પૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો. આમ કરવાથી આપનો વિજય થશે.”
બ્રહ્માજી કહે છેઃ “નારદ! આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયાં. એમણે સંગ્રામમાં રાવણને માર્યો. લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા. બેટા! જે મનુષ્યો આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે. અને એમનો પરલોક પણ અક્ષય બની રહે છે.”
શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન! આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઇએ. આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.”