યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”
શ્રી કૃષ્ણ બોલ્યા : “રાજન ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં “વરુથીની” એકાદશી આવે છે તે ઇન્દ્ર લોક અને પરલોમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે.”
વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. નૃપશ્રેષ્ઠ ! ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તી થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યુ છે.
ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટુ વિદ્યાદાન છે.
મનુષ્યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્યાયાના ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પૂણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઇએ. એને પોતાના કામમાં ન લેવું જોઇએ.
જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની કન્યાયને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે.
રાજન ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુકત થઇને પરમગતીને પ્રાપ્ત થાય છે. આથી પાપભીરુ મનુષ્યોને પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી પડનારા મનુષ્યે વરુથિનીનું વ્રત કરવું.
રાજન ! આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્ય બધા પાપોથી મુકત થઇને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.